gori! tare trajuDe re - Pad | RekhtaGujarati

ગોરી! તારે ત્રાજુડે રે

gori! tare trajuDe re

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
ગોરી! તારે ત્રાજુડે રે
નરસિંહ મહેતા

ગોરી! તારે ત્રાજુડે રે મોહ્યા મોહ્યા મુનિવરરાયા રે;

રૂપ સ્વરૂપ કળ્યું નવ જાયે, કોઈ દીસે છે ઈશ્વરી માયા રે. ગો૦

રુમઝુમ રુમઝુમ નેપુર વાજે, ગોફણે ઘુઘરી ઘમકે રે;

શીશ દામણી એણી પેર સોહે, જેમ ગગન વીજળી ચમકે રે. ગો૦

નિલવટ આડ કરી કેસરની, માંહે મૃગમદની ટીલી રે;

આંખલડી જાણે પાંખલડી, હીંડે લીલાએ લાડગહેલી રે. ગો૦

કંચવો તમે કર્યા સિવડાવ્યો? શણગટ વાળ્યો શું ધારી રે?

વેણી તમે કયાં રે ગૂંથાવી, જેણે મોહી છે વ્રજની નારી રે? ગો૦

ચંચળ દ્રષ્ટે ચોદિશ નિહાળે, માંહે મદનનો ચાળો રે;

નરસૈયાચો સ્વામી જોવા સરખો, કોઈ સુંદરીનું વદન નિહાળો રે. ગો૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 58)
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997