સતી નારને
Sati Naarne
મુક્તાનંદ
Muktanand

સતી નાર ને પતિ સંગ પ્યાર રે, પતિસેવા ચૂકે ન લગાર રે;
નિજ ધર્મ રાખે દૃઢ તેહ રે, તેમાં ભૂલે ખંડિત થાય જેહ રે.
તેનો એક એક કરે ઉપવાસ રે, ત્યાગે પતિવ્રતા તન સુખ આશ રે;
સતી સુર ને સંતની રીત રે, સૌથી ન્યારી ને પરમ પુનિત રે.
સતી પતિ સંગ બળવાને જાય રે, પછી ભાગે તો ભ્રષ્ટ કહેવાય રે;
શૂરો રણમાં જઈ પાછો ભાગે રે, તેનાં કુળને તે લાંછન લાગે રે.
ત્યાગી થઈને વિષયમાં લોભાય રે, તે તો શ્વાનથી નીચ કહેવાય રે;
મુક્તાનંદ કહે સતી એમ જાણી રે, રાખે નિજ ધર્મ પરમ શયાણી રે.



સ્રોત
- પુસ્તક : મધ્યયુગીન ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 284)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, બળવંત જાની, ચિનુ મોદી
- પ્રકાશક : સાહિત્ય અકાદમી, ન્યૂ દિલ્હી
- વર્ષ : 1998