sarman sar awtar ablatno - Pad | RekhtaGujarati

સારમાં સાર અવતાર અબળાતણો

sarman sar awtar ablatno

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
સારમાં સાર અવતાર અબળાતણો
નરસિંહ મહેતા

(રાગ કેદારો)

સારમાં સાર અવતાર અબળાતણો, જે બળે બળભદ્ર-વીર રીઝે;

પુરુષ-પુરુષારથે શું સરે, હે સખી? તેણે નવ નાથનું કાજ સીઝે. સા૦

મુક્તિ પર્યંત તો પ્રાપ્તિ છે પુરુષને, સત્ય જો સેવકભાવ રાખે;

રસભર્યું રૂસણું, નાથ નોહરા કરે, તે નહીં નારી-અવતાર પામે. સા૦

ઈંદ્ર-ઈંદ્રાદિક અજઅમર મહામુનિ, ગોપિકા ચરણરજ તેહ વંદે;

ગોપીથી આપનું અધમપણું લેખવે, નરપણું નવરુચે આપ નંદે. સા૦

વેદ–વેદાંત ને ઉપનિષદખટ મળી જે મથીને રસ પ્રગટ કીધો,

તે રસ ભોગવે ભાગ્યનિધિભામિની,અહર્નિશ અનુભવ-સંગ લીધો. સા૦

સ્વપ્ન સાચું કરો,ગિરિધર શામળા! પ્રણમું હું,પ્રાણપતિ! પાણ જોડી;

પેંધ્યું પશુ જેમ પૂંઠે લાગ્યું ફરે, ત્યમ ફરે નરસૈંયો નાથ ત્રોડી. સા૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 89)
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997