સરખી મળી છે જોડી!
sarakhi mali chhe jodi!
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
ના આવે, ના આવે રે, નાથજી ના આવે.
એને મથુરામાં મળી મોહિની નાર રે, ગોકુળ કેમ ભાવે? નાથ...
મથુરામાં છે શાલ દુશાલા, ને નાના વિધના વાઘા રે;
ગોકુળ મેલી નાસી ગયા, કાળી કામળ ઓઢતા ભાગા. નાથ...
આગળ હુતા ગોવાળિયા ને થયા મથુરાના રાય રે;
કહે બાઈ ગોકુળ કેમ ગમે એને નિત ઊઠી દોવી પડે ગાય. નાથ...
કંસરાયની કાળી કુબજા, ખૂંધી ને વળી ખોડી રે;
કાળો કહાનો, કાળી કુબજા, સરખી મળી છે જોડી રે. નાથ...
વૃંદાવનની કુંજગલીમાં અમને રમાડ્યાં રાસ રે;
નરસૈંયાના સ્વામી અમને કરી ગયા છે નિરાશ રે. નાથ...
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 3)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
