જી રે લાખા ધ્યાનમાં બેસીને
jii re laakhaa dhyaanmaan besiine
લોયણ
Loyan

જી રે લાખા ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો જી‚
તમે મન પવનને બાંધો હાં,
જી રે લાખા નુરતે નીરખો ને સુરતે પરખો જી,
તમે સુરતા શૂન્યમાં સાધો હાં...
જી રે લાખા નાદ રે બૂંદની તમે ગાંઠ બાંધોનરે જી,
મૂળ વચને પવન સ્થંભાવો હાં,
જી રે લાખા ઊલટા પવન એને સુલટમાં લાવો જી,
એવી રીતે એક ઘરમાં આવો હાં...
જી રે લાખા ઈંગલા પિંગલા સુષમણા સાધો જી,
ચંદ્ર સૂર્ય એક ઘર લાવો હાં,
જી રે લાખા ત્રિવેણી મેળમાં દેખો તપાસી જી,
પછી જોતમાં જોત મિલાવો હાં...
જી રે લાખા અનભે પદને ઓળખાવાને માટે જી,
તમે જોત ઓળાંડી આઘા ચાલો હાં,
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી ‘લોયણ’ બોલ્યાં જી,
તમે અકરતાના ઘરમાં આવો હાં...



સ્રોત
- પુસ્તક : સંતસમાજ ભજનાવળી (પૃષ્ઠ ક્રમાંક 16)
- પ્રકાશક : મંગળદાસ જોઈતારામ-બુકસેલર
- વર્ષ : 1930
- આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ