devaayat pandit daa'daa daakhave - Pad | RekhtaGujarati

દેવાયત પંડિત દા'ડા દાખવે

devaayat pandit daa'daa daakhave

દેવાયત પંડિત દેવાયત પંડિત
દેવાયત પંડિત દા'ડા દાખવે
દેવાયત પંડિત

પેલા પેલા પવન ફરકશે, નદીએ નહીં હોય નીર,

ઓતર થકી રે સાયબો આવશે, મુખ્ય મોહન વીર.

દેવાયત પંડિત દહાડા દાખવે, સુણ લે દેવળદે નાર,

આપણા ગુરુએ સત્ય ભાખિયું, જૂઠડાં નહિ રે લગાર,

લખ્યા ને ભાખ્યા રે સોય દિન આવશે.

ધરતી માથે હેમર હાલશે, સૂના નગર મોજાર,

લક્ષ્મી લુંટાશે લોકો તણી, તેની કાંઈ રાડ ને બૂમ... દેવાયત૦

પોરો રે આવ્યો સંતો પાપનો, ધરતી માગે રે ભોગ,

કેટલાક ખડગે સંહારશે, કેટલાક મરશે રોગ... દેવાયત૦

ખોટાં પુસ્તકો ખોટાં પાનિયાં, ખોટાં કાજીનાં કુરાન,

અસલજાદી ચૂડો પહેરશે, છે આગમનાં એંધાણ... દેવાયત૦

જતિ, સતી ને સાબરમતી, ત્યાં હશે શૂરાના સંગ્રામ,

કાયમ કાલિંગાને મારશે, ને નકલંક ધરશે નામ... દેવાયત૦

કાંકરિયા તળાવે તંબૂ તાણશે, સો સો ગામોની સીમ,

રૂડી રે રળિયામણી, ભેળા અરજણ ને ભીમ... દેવાયત૦

પશ્ચિમ દિશાથી સાયબો આવશે, આવે મારો જુગનો જીવન,

કળિયુગ ઉથાપી સતયુગ થાપશે, તે બોલ્યા ‘દેવાયત પંડિત’ રે... દેવાયત૦

સ્રોત

  • પુસ્તક : સંતસમાજ ભજનાવળી (પૃષ્ઠ ક્રમાંક 28)
  • પ્રકાશક : મંગળદાસ જોઈતારામ બુકસેલર
  • વર્ષ : 1925
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ