ભાઈઓ, ભરમ ન ભૂલીયે
bhaio, bharam na bhuuliye
નરહરિ
Narhari
ભાઈઓ, ભરમ ન ભૂલીયે
ભાઈઓ, ભરમ ન ભૂલીયે, માયા મૃગજલ રૂપ રે;
સંસાર સ્વપ્ન સમતુલ્ય છે, સત્ય બ્રહ્મસ્વરૂપ રે. ભાઈઓ.
રૂપ–નામ સ્થિરતા નહીં, જ્યમ નહીં રજ્જુભુજંગ રે;
શુક્તિ–રજત વર્ણ–આશ્રમ, તેહ શું કીશો પ્રસંગ રે. ભાઈઓ.
ભૂત ભવિષ્ય (ને) વર્તમાન, એ પદારથ (જ) ચાર રે;
વ્યોમકુસુમવત જાણજ્યો (જે) જન્મ–મરણ–અવતાર રે. ભાઈઓ.
મને કલપી જે જે કહ્યું, નામ માત્ર તાં તેહ રે;
શશકશૃંગ વંધ્યા–સુત, તેહ શું કીધો સનેહ રે. ભાઈઓ.
અણકલપ્યું અવિનાશ છે, તે તો પદ નિર્વાણ રે;
આપે આપ લ્યો ઓલખી, એ અનુભવ પ્રમાણ રે. ભાઈઓ.
જાણનહારાને જાણજ્યો, જાણો જાણવું છે એહ રે;
કહે નરહરિ એ ઓલખે, ટલે સર્વ સંદેહ રે. ભાઈઓ.
(નરહરિ–કૃત ‘જ્ઞાનગીતા’માંથી)
સ્રોત
- પુસ્તક : મધ્યયુગીન ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 168)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, બળવંત જાની, ચિનુ મોદી
- પ્રકાશક : સાહિત્ય અકાદેમી
- વર્ષ : 1998