Sansariyama kon taru che sachu - Pad | RekhtaGujarati

સંસારિયામાં કોણ તારું છે સાચું

Sansariyama kon taru che sachu

મીરાંબાઈ મીરાંબાઈ
સંસારિયામાં કોણ તારું છે સાચું
મીરાંબાઈ

કોણ તારું છે સાચું, સંસારિયામાં કોણ તારું છે સાચું.

કાયા–માયા સુત ને નારી, ખોટામાં થયો ખુવારી,

ગાયા નહીં ગિરધારી રે. સંસારિયામાં૦

મન ગમતો તું તો મહાલ્યો, ચોરનો મારગ ઝાલ્યો,

પાપીડાને સંગે ચાલ્યો રે. સંસારિયામાં૦

કૂડું કૂડું કામ કીધું, તેને સાચું માની લીધું,

અંતકાળે દુઃખ દીધું રે. સંસારિયામાં૦

જીતી બાજી હાર્યો જાણી, મુખે બોલ્યો મિથ્યા વાણી,

ધાન્ય કીધું ધૂળ ધાણી રે. સંસારિયામાં૦

વિષ વેલા વ્હાલા કીધા, ઝેરના પીઆલા પીધા,

પ્રભુને વિસારી દીધા રે. સંસારીયામાં૦

ઘર ધંધે ઘેરી લીધો, કામિનીએ વશ કીધો,

‘મીરાં’ કહે તને દગો દીધો રે. સંસારિયામાં૦

સ્રોત

  • પુસ્તક : પ્રાચીન કાવ્ય સુધા ભાગ ૧ (પૃષ્ઠ ક્રમાંક 120)
  • સંપાદક : છગનલાલ વિદ્યારામ રાવળ
  • પ્રકાશક : જ્ઞાનમંદિર પ્રેસ
  • વર્ષ : 1922