sandesho satlokno - Pad | RekhtaGujarati

સંદેશો સતલોકનો

sandesho satlokno

ભીમસાહેબ ભીમસાહેબ
સંદેશો સતલોકનો
ભીમસાહેબ

જીવણ, જીવને જિયાં રાખીએ

વાગે અનહદ તૂરા રે,

ઝિલમિલ જ્યોતું ઝળહળે

વરસે નિરમળ નૂરા રે.

પાંચ તત્ત્વ ને તીન ગુણ છે, પચવીસાં લિયે વિચારી રે,

મથન ગેાતા ને મૂળનાં, તત્ત્વ લેજો એક તારી રે...

ગંગા જમુના સરસ્વતી, તરવેણીને ઘાટે રે,

સુખમન સુરતા રાખીએ, વળગી રહીએ વાટે રે...

અણી અગર પર એક છે, હેરો રમતા રામા રે,

નિસદિન નીરખો નેનમાં, સત પુરુષ સામા રે...

અધર ઝણકારા હોઈ રિયા, કર બિન વાજાં વાગે રે,

સુરતા ધરીને તમે સાંભળો, ધૂન ગગનમાં ગાજે રે...

નુરત–સુરતની સાધના, પ્રેમી જન કોઈ પાવે રે,

અંધારુ ટળે એની આંખનું, નૂર નજરે આવે રે...

રે સંદેશો સતલાકનો, 'ભીમસાહેબે' ભેજ્યો રે,

પત્ર લખ્યો ગુરુએ પ્રેમનો, જીવણ લગનેથી લેજો રે.

જીવણ, જીવને જિયાં રાખીએ.

સ્રોત

  • પુસ્તક : સંત પરંપરા વિમર્શ (પૃષ્ઠ ક્રમાંક 86)
  • સંપાદક : ડૉ. રાજેન્દ્રસિંહ રાયજાદા
  • પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર, રાજકોટ
  • વર્ષ : 1989