samajhya wina re sukh nahi jantne re - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સમઝ્યા વિના રે સુખ નહિ જંતને રે

samajhya wina re sukh nahi jantne re

અખો અખો
સમઝ્યા વિના રે સુખ નહિ જંતને રે
અખો

સમઝ્યા વિના રે સુખ નહિ જંતને રે;

વસ્તુગતિ કેમ કરી લેવરાય?

આપે દરસે રે આપમાં આતમા,

હુંપદ સહેજે સહેજે રે જાય.

દસ મણ વહ્નિ રે લખીયે કાગળે,

તે લઈ અરીમાં અરપાય;

અલગી ઉષ્ણની રે, અરી નથી દાઝતું,

રતી એક સાચે પાવક અરી થાય.

પારસ વિના રે જે ધાતુ ધાતુ છે,

તેનું કાંઈ હેમ થાય

ત્યમ સમઝ્યા વિણ રે જે સાધન કરે,

તેની કાંઈ જીવદશા નવ જાય.

રવિ રવિ કીધે રે રજની નહિ ટળે,

અંધારુ તે ઊગ્યા પછી જાય;

ત્યમ રુદે રવિ ઊગ્યો રે ગુરુગમ જ્ઞાનનો,

તેને અંગે અજવાળું રે થાય.

તરસ છીપે રે જળ-જપના કર્યે,

‘ભોજન’ કહ્યે ભાંગે ભૂખ;

બ્રહ્મરસ પીધે રે તન તૃષ્ણા ટળે,

તેને અંગે આનંદ ને મહાસુખ

દ્વેત ટળીને રે અદ્વેત થઈ રહ્યા

વાણીરહિત છે વિચાર;

કહે અખો રે, તે સમઝ્યા ખરા,

સમઝ્યા છે પરાપરને પાર.

સ્રોત

  • પુસ્તક : અખાની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 206)
  • સંપાદક : કીર્તિદા શાહ
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2009