saambhalo bhamini! shravan dharo - Pad | RekhtaGujarati

સાંભળો, ભામિની! શ્રવણ ધરો

saambhalo bhamini! shravan dharo

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
સાંભળો, ભામિની! શ્રવણ ધરો
નરસિંહ મહેતા

સાંભળો, ભામિની! શ્રવણ ધરો, કામિની, કવણ હું? - કિંકર કૃપણ પાપી;

ત્રિભુવનનાથ તે મહીપતિ માધવો, કેમ બોલાય તિહાં વાત ચાંપી? સાં...

દિવસ ઝાઝા થયા બાળપણને ગયાં, નરપતિ નવ પીછે પ્રીત જૂની;

દુર્બળ રંક હું ભિક્ષુક બાપડો, નવ લિયે ચોકસી ખોટી ચૂની. સાં...

ઉગ્રસેન, ઉદ્ધવ, અક્રૂર છે તિહાં, બળિભદ્ર ને અનિરુદ્ધ પાસે;

કોટિ જોદ્ધા જિહાં, ઊભો જઈ રહું કિહાં? કોણ આવી મારો હાથ સ્હાશે? સાં...

જડિત રત્નો-મણિ, કાંતિ ભાસે ઘણી, તિમિર ના'વે તેની જ્યોત પાસે;

કેમ બોલી શકું? વેણ વદતો થકુ (કો) ધમણ ધમતો રહું શ્વાસોશ્વાસે. સાં...

મૌન બેસી રહો, સુખદુઃખ સહુ સહો, કીધું કરમ તે ભાગ્ય-ચોંટ્યું;

દુરિજન લોક તે છોને લવતાં રહે, નરસૈંના નાથનું બિરદ મોટું. સાં...

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 63)
  • સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1994