rasleela - Pad | RekhtaGujarati

વહાલા મારા વૃંદાવનને ચોક કે વહેલા પધારજો રે લોલ. વહાલા...

ગોકુળની વ્રીજનાર કે વેગે બોલાવજો રે લોલ. વહાલા...

અમને રાસ રમ્યાના કોડ કે નાથ સંગ બેલડી રે લોલ. વહાલા...

લેવા મુખડાના મુકરંદ કે મલી તેવતેવડીરે લોલ. વહાલા...

રૂડો વંસીવટનો ચોક કે કુંજ શોભા ઘણી રે લોલ. વહાલા...

રૂડું જમનાજીનું તીર કે ત્રટ રળિયામણું રે લોલ. વહાલા...

મળિયો વ્રીજવીનતાનો સાથ કે તાલી દે હાથશું રે લોલ. વહાલા...

રૂડી શરદ પૂનમની રાત કે, સુંદર સોહમણી રે લોલ. વહાલા...

જોવા મળિયા ચૌદે લોક કે ઇંદ્ર ત્યાં આવિયા રે લોલ. વહાલા...

રૂડાં પારિજાતકનાં પુષ્પ કે પ્રભુને વધાવિયા રે લોલ. વહાલા...

બ્રહ્મા રુદ્ર ધરે એનું ધ્યાન કે પાર પામે નહિ રે લોલ. વહાલા...

નાચે નરસૈંયો સુખ જોઈ કે લીલા નાથની રે લોલ. વહાલા...

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 2)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941