nishche karo ramanun nam - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નિશ્ચે કરો રામનું નામ

nishche karo ramanun nam

નરભેરામ નરભેરામ
નિશ્ચે કરો રામનું નામ
નરભેરામ

નિશ્ચે કરો રામનું નામ, નથી જોગી થઈને જાવું,

નથી કરવાં ભગવાં કાંય, નથી ભેગું કરીને ખાવું.

ગમે તો તમે ભગવાં કરજો, ગમે તો ઊજળાં રાખો,

નહીં દૂભવો સામા જીવને, સુખ સામાનું તાકો.

એક ત્રાજવે સૌ સંસારી, બીજે જોગી લાવો;

કયા જોગીને રામ મળ્યા? એવો તો એક બતાવો.

મહેતો, મીરાં ને પ્રહ્લાદ, સેનો નાપિક નાતિ;

ધનો, પીપો, રોહિદાસ, કૂબો, ગોરો કુંભારની જાતિ.

બોડાણો જાતે રજપૂત, ગંગાબાઈ છે નારી,

દાસ થઈને જો રહ્યાં તો, ઘેર આવ્યા ગિરધારી.

નથી રામ વિભૂતિ ચોળ્યે, નથી ઊંધે શિર ઝોળ્યે;

નથી નારી તજી વન જાતાં, જ્યાં લગી આપ ખોળે.

જંગલમાં મંગલ કરી જાણે, મંગલ જંગલ જેને;

કડવું મીઠું, મીઠું કડવું, રામજી વશ છે તેને.

પય ઓથે જેમ ઘૃત રહ્યું છે, તલ ઓથે જેમ તેલ;

કહે નરભો રઘુવર છે સઘળે, એવો એનો ખેલ.

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યસમૃધ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 41)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન
  • વર્ષ : 2004