raat rahe jaahre - Pad | RekhtaGujarati

રાત રહે જાહરે

raat rahe jaahre

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
રાત રહે જાહરે
નરસિંહ મહેતા

રાત રહે જાહરે પાછલી ખટ ઘડી,

સાધુ પુરુષને સૂઈ રહેવું;

નિદ્રાને પરહરી, સમરવા શ્રીહરિ,

એક તું એક તું એમ કહેવું. રાત…

જોગિયા હોય તેણે જોગ સંભાળવા,

ભોગિયા હોય તેણે ભોગ તજવા;

વેદિયા હોય તેણે વેદ વિચારવા,

વૈષ્ણવ હોય તેણે કૃષ્ણ ભજવા. રાત…

સુકવિ હોય તેણે સદ્ગ્રંથ બાંધવા,

દાતાર હોય તેણે દાન કરવું;

પતિવ્રતા નારીએ કંથને પૂછવું,

કંથ કહે તે તો ચિત્ત ધરવું. રાત…

આપણે આપણા ધર્મ સંભાળવા,

કર્મનો મર્મ લેવો વિચારી;

નરસૈંનાં સ્વામીને, સ્નેહથી સમરતાં,

ફરી નવ અવતરે નર ને નારી. રાત…

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1939
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ