પ્યાલો અમને પાયો રે, ગુરુએ મારે પ્રેમે કરી
pyaalo amne paayo re, guruae maare preme karii


પ્યાલો અમને પાયો રે, ગુરુએ મારે પ્રેમે કરી,
આ દેહીમાં દર્શાયા રે, હરિહર આપે હરિ.
પે'લો પ્યાલો લખીરામનો જુગતે પાયો જોઈ,
કળા બતાવી આ દેહની, કૂંચી બતાવી કોઈ,
ત્રિપુટી કેરાં તાળાં ઉઘાડ્યાં, સુનમાં દરશાણા સોઈ,
એમ નગર મધુ ન્યારું રે, જોયું મેં તો જરા જરી. પ્યાલો૦
બીજે પ્યાલે બુદ્ધિ વાપરી, આવી સંતોની સાન,
વૈરાટ સ્વરૂપી વીનવું, જોતાં જમીં અસમાન,
આ દેહમાં દરશાણા, સાચા સતગુરુ શ્યામ,
એની લગની મને લાગી રે, બેઠો હતો ધ્યાન ધરી. પ્યાલો૦
ત્રીજે પ્યાલે ત્રણ ગુણ પ્રગટ્યા, પાંચ તત્ત્વ પ્રકાશ,
સુન મંડળમાં શ્યામ બિરાજે, અલખ પુરુષ અવિનાશ,
નવ ખંડ ઉપર નાથજી, રવિ ઊગ્યાની આશ,
એવી અગમની ખબરું રે, ગુરુએ મારે દીધી ખરી. પ્યાલો૦
ચોથે પ્યાલે સાન કરીને, ગ્રહ્યો હરિએ હાથ,
એકવીસ બ્રહ્માંડ ઉપરે, મારે વાલે બતાવી વાટ,
એ વાટની નિશ્ચય થઈ 'ને નિશ્ચય મળિયા નાથ,
એવી અગમ ઉપરે રે, કેશવરાયે કરુણા કરી. પ્યાલો૦
પાંચમો પ્યાલો પૂરણ થયો, ભેટ્યા ભુદરરાય,
અખંડ અદ્ભુત ધારા વરસે, ગેબી ગર્જના થાય,
એવા સ્વાતિનાં સરવરડાં રે ઝરમર ઝરમર નૂર ઝરે. પ્યાલે૦
છઠ્ઠે પ્યાલે સતગુરુ મળિયા, નિશ્ચય થયા 'લખીરામ',
ઘણા દિવસ થયા ડોલતાં રે, મારે ગુરુએ બતાવ્યાં ગામ,
એવાં ચરણોમાં ચિત્ત રાખો રે, ફોગટ ફેરા ઘણા કરી. પ્યાલો૦



સ્રોત
- પુસ્તક : સંત પરંપરા વિમર્શ (પૃષ્ઠ ક્રમાંક 88)
- સંપાદક : ડૉ. રાજેન્દ્રસિંહ રાયજાદા
- પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર, રાજકોટ
- વર્ષ : 1989