ભાલણ
Bhalan
પૂછતી હીંડે આકુલી વન મધ્યે જે જે દ્રુમ,
મળશે પ્રીતમ આપણો, જેને કહે છે પૂરણ બ્રહ્મ. હરિહરિ કહે સુંદરી.
પૂછે કદંબ અશોક જે, વળી પૂછતાં તાલ તમાલ,
કિંશુક અર્ક પનસ (આ) વારે કહેજે રે શ્રીહરિની ભાળ. હરિ...
બકુલ કપિત્થને પૂછતી વન મધ્યે જે જે દ્રુમ,
પરઉપકારી બાપડા, કહો અમને હરિ મળશે ક્યમ. હરિ...
કહે રે તુલસી અમને, હરિ વલ્લભ (રે) પ્રેમપ્રકાશ,
વદે સઘળાં પક્ષીઓ, અમ નાથજી તોરે પાસ. હરિ...
કહે રે અશ્વત્થ બાપડા, હરિ સાથે રે તારે નેહ,
સહુકો પૂજે તુજને, કહે ક્યાં છે શ્રીકૃષ્ણ તેહ. હરિ...
કોમલ મધુરી માલતી, જો ફળ સુંદર તારાં કેળ,
વનમાંહે તું સુંદરી નંદનંદન અમને મેળ. હરિ...
કહે રે કાલી તરુ બાપડા વૈકુંઠ રે તારો વાસ,
અમને મેળવ નાથજી તો જીવે હરિના દાસ. હરિ...
પૂરી ૫નોતી વાસમતી, તું કહે રે અમને ભાળ,
ચરણ ધરું રે તારે હૃદે, મારો નાથજી રે શ્રીગોપાળ. હરિ...
આ મૃગ સંગાથે મૃગલી ધન્ય એ રે નરનાર,
આ૫ણ મંદ અભાગિયાં રે છોડી ગયા દેવ મુરાર. હરિ...
જ્યમ કરે છલ પારધિ મોહ પામી જીવ અજાણ,
ત્યમ દૂતો રે અંધાગારે લઈ જાશે રે નિર્વાણ. હરિ...
વેરણ રેણી બિહામણી, ક્યાં જઈએ રે અબલા નાર,
રમત રચો હવાં એહની, ધરે જે જે વન મુઝાર. હરિ...
પૂતના વેષ એકે ધર્યો, એક થઈ બાલમુકંદ,
એક વસ્ત્ર પોઢાડે પાલણે રે, એક થાયે જશોદાનંદ. હરિ...
પાલણેથી જે પૂતના હરિ લીધા શામલ વર્ણ,
એકે મૂકો મૂકો કહીને જ્યમ પૂતના પામી મરણ. હરિ...
એક બક વચ્છ અઘ ધેનુક, જેનો રે હરિ આણે રે અંત,
તે ગોપી લીલા રચે હરિ એનાં ચરિત્ર અનંત. હરિ...
એક ગોવર્ધનલીલા રચી, ધરે અંબર પર્વત ઠામ,
એક ગૌ છોડી વન સાંચરે, અહીં રમતા રે કૃષ્ણ ને રામ. હરિ...
વળી પગલાં નીરખે નાથનાં વજ્ર અંકુશ ચક્ર એધાણ,
શંખ મધ્યે પેખિયો જેનું વેદ કરે વખાણ. હરિ...
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 11)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
