prem - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પ્રેમ

prem

દયારામ દયારામ
પ્રેમ
દયારામ

જે કોઈ પ્રેમવંશ અવતરે પ્રેમરસ તેના ઉરમાં ઠરે.

સિંહણ કેરું દૂધ હોય તે સિંહણ સુતને જરે,

કનકપાત્ર પાખે સહુ ધાતુ ફોડીને નીસરે. પ્રેમરસo

સક્કરખોરનું સાકર જીવન, ખરના પ્રાણ હરે,

ક્ષાર સિંધુનું માછલડું જેમ મીઠા જળમાં મરે. પ્રેમરસo

સોમવેલી રસપાન શુદ્ધ જે બ્રાહ્મણ હોય તે કરે,

વગરવંશીને વમન કરાવે, વેદવાણી ઊચરે. પ્રેમરસo

ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થ ના સરે,

મત્સ્યભોગી બગલો મુક્તાફળ દેખી ચંચુ ના ભરે. પ્રેમરસo

એમ કોટિ સાધને પ્રેમ વિના પુરુષોત્તમ પૂંઠે ના ફરે;

દયાપ્રીતમ શ્રીગોવર્ધનધરવર પ્રેમભક્તિએ વરે. પ્રેમરસo

સ્રોત

  • પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 40)
  • સંપાદક : ધીરુ પારેખ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2010