muj ablane moti mirant - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મુજ અબળાને મોટી મિરાંત

muj ablane moti mirant

મીરાંબાઈ મીરાંબાઈ
મુજ અબળાને મોટી મિરાંત
મીરાંબાઈ

મુજ અબળાને મોટી મિરાંત, બાઈ! શામળો ઘરેણું મારે સાચું રે.

વાળી ઘડાવું વિઠ્ઠલવર કેરી, હાર હરિનો મારે હૈયે રે;

ચિત્ત માળા, ચતુર્ભુજ ચૂડલો, શીદ સોની-ઘેર જઈએ રે? મુજ.

ઝાંઝરિયાં જગજીવન કેરાં, કૃષ્ણજી કલ્લાં ને કાંબી રે;

વીછુવા ઘૂઘરા રામનામના, અણવટ અંતરજામી રે. મુજ.

પેટી ઘડાવું પુરુષોત્તમ કેરી, ત્રિકમ નામનું તાળું રે;

કૂંચી કરાવું કરુણાનંદ કેરી, તેમાં ઘરેણું મારું ઘાલું રે. મુજ.

સાસરવાસો સજીને બેઠી, હવે નથી કાંઈ કાચું રે;

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, હરિનાં ચરણે જાચું રે. મુજ.

સ્રોત

  • પુસ્તક : મીરાંનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997