mohanne etalun kahejo! - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મોહનને એટલું કહેજો!

mohanne etalun kahejo!

દયારામ દયારામ
મોહનને એટલું કહેજો!
દયારામ

મધુવ્રત! કહેજો રે મોહનને એટલું :

‘સૂણ્યું તે દિવસનો હરખ માય,

ભાગ્ય મોટું કન્યા પામ્યા કંસની કિંકરી,

પૂર્ણ પુણ્ય વિના એવું કોને નવ થાય.

મધુવ્રત!o

રે મથુરાનાં વાસી, બહુ કુબજાનાં સગાં,

કિંકરીનું કુળ મોટું કહેવાય,

પરણ્યાં પહેલાં ધોબીએ પહેરાવી પહેરામણી,

દરજીમાળી ફૂલ્યા તે સંબંધી એના થાય.

મધુવ્રત!o

બેનું મન માન્યું ત્યાં તો વેદવિધિ થઈ રે,

સાસરિયે પધાર્યા રે સુંદરશ્યામ,

ઉદ્ધવજી અણવરિયું થઈ પૂંઠે રે ગયા,

રસિયોજી રીઝ્યા જોઈ રૂપનું ધામ.

મધુવ્રત!o

શું? વ્હાલે રે અમને લખી કંકોતરી!

રે ભલું એક ગામ વસ્યાનો વહેવાર,

દયાપ્રભુને કરવો ઘટે અમારે ચાંદલો,

તે મોકલવાને પ્રાણ કર્યા છે તૈયાર!'

મધુવ્રત!o

સ્રોત

  • પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 50)
  • સંપાદક : ધીરુ પારેખ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2010