gowindo pran amaro re - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ગોવિંદો પ્રાણ અમારો રે

gowindo pran amaro re

મીરાંબાઈ મીરાંબાઈ
ગોવિંદો પ્રાણ અમારો રે
મીરાંબાઈ

ગોવિંદો પ્રાણ અમારો રે, મુને જગ લાગ્યો ખારો રે.

મને મારે રામજી ભાવે રે, બીજો મારી નજરે ના'વે રે. ગો૦

મીરાંબાઈના મહેલમાં રે, હરિસંતનનો વાસ;

કપટીથી હરિ દૂર વસે, મારા સંતન કેરી પાસ. ગો૦

રાણોજી કાગળ મોકલે રે, દેજો મીરાંને હાથ;

સાધુની સંગત છોડી દો, તમે વસો અમારે સાથ. ગો૦

મીરાંબાઈ કાગળ મોકલે રે, દેજો રાણાજીને હાથ;

રાજપાટ તમે છોડો, રાણાજી! વસો રે સાધુને સાથ. ગો૦

વિષનો પ્યાલો રાણે મોકલ્યો રે, દેજો મીરાંને હાથ;

અમૃત જાણી મીરાં પી ગયાં, જેને સહાય શ્રી વિશ્વનો નાથ. ગો૦

સાંઢવાળા! સાંઢ શણગારજે રે, જાવું સો સો રે કોસ;

રાણાજીના દેશમાં મારે જળ રે પીધાનો દોષ. ગો૦

ડાબો મેલ્યો મેવાડ રે, મીરાં ગઈ પશ્ચિમમાંહ્ય;

સરવ છોડી મીરાં નીસર્યાં, જેનું માયામાં મનડું કાંય. ગો૦

સાસુ અમારી સુષુમણા રે, સસરો પ્રેમસંતોષ,

જેઠ જગજીવન જગતમાં રે, મારો નાવલિયો નિર્દોષ. ગો૦

ચૂંદડી ઓઢું ત્યારે રંગ ચૂએ રે, રંગ બેરંગી હોય;

ઓઢું હું કાળો કામળો, દૂજો ડાઘ લાગે કોય. ગો૦

મીરાં હરિની લાડલી રે, રહેતી સંત હજૂર;

સાધુ સંગાથે સ્નેહ ઘણો, પેલા કપટીથી દિલ દૂર. ગો૦

સ્રોત

  • પુસ્તક : મીરાંનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 288)
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997