ankhnan kaman - Pad | RekhtaGujarati

આંખનાં કામણ

ankhnan kaman

દયારામ દયારામ
આંખનાં કામણ
દયારામ

કામણ દીસે છે અલબેલા! તારી આંખમાં રે!

ભોળું ભાખ મા રે! કામણ દીસે છે અલબેલા!

મંદ હસીને ચિત્તડું ચોર્યું, કુટિલ કટાક્ષે કાળજ કોર્યું;

અદપડિયાળી આંખે ઝીણું ઝાંખ મા રે, ભોળું ભાખ. કામણ.૦

નખશિખરૂપ ઘણું રઢિયાળું, લટકું સઘળું કામણગારું;

છાનાં ખંજન રાખે પંકજ પાંખમાં રે, ભોળું ભાખ. કામણ.૦

વ્હાલભરી રસવરણી વાણી, તારુણીનું મન લે છે તાણી;

ભ્રકુટીમાં મટંકાવી ભૂરકી નાખ મા રે, ભોળું ભાખ. કામણ.૦

દયાપ્રીતમ નીરખ્યે જે થાયે તે મેં મુખડે નવ કહેવાયે;

વિનતી આતુરતા આવડું સાંખ મા રે, ભોળું ભાખ.કામણ૦

સ્રોત

  • પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સંપાદક : ધીરુ પારેખ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2010