Prem Pachchisi pad 4 - Pad | RekhtaGujarati

પ્રેમ પચીસી પદ : ૪

Prem Pachchisi pad 4

વિશ્વનાથ જાની વિશ્વનાથ જાની
પ્રેમ પચીસી પદ : ૪
વિશ્વનાથ જાની

[દુહો]

વિવિધ વચન વિનતાનાં સાંભલી, એમ વદે, વાસુદેવ :

“સુતના હિતને કારણે કારજ કરવું ખેવ.”

આલસ મૂકો, માન્યની ! જે મુંને પૂછો વાત;

લાટે પાટે નવ્ય થાયે મોહનજીની માત.'

[ગીત]

ગેહેલી ! ગોકુલની શી વાત ?

પૂરણ ક્રિપા પાખિ નહીં થવાયે નંદ જ્યશોદા માત;

જોહેને ખોલે રમ્યા રસિકવર, જનમથકી માં જાણી રે,

ઉછેરીને આવડો કીધો, અંતર બહુ હેત આણી; ગેહેલી૦

મુખ જોઈ મોહનજી કેરું ઠાર્યો જ્યેણીએ પ્રાણી રે,

અવધ વિના એહેવાં સુખ પામી નંદજીની રાણી; ગેહેલી૦

જયેહેનું પય પ્રેમે-શુ પીધું, માડી કહી બોલાવી રે,

સાંહાંજ સહવારે માગી સુખડી લાજ રુદેમાં ના'વી; ગેહેલી૦

જ્યશોદાજીએ જે જે આપી તે ભૂધરને મન ભાવી રે,

ત્રિભોવનમાંહે તરી તે તારુણી જે માત કૃષ્ણની કહાવી; ગેહેલી૦

ત્રણ્ય કાલ તાપેસ સંભારે, લક્ષ પેર લે લાઈ રે,

સહસ્રવાર સમરે શ્રોણામાં, નવ્ય હેલો જે દેખાઈ; ગેહેલી૦

તે આલિંગન દે આફણિયે, કોટે વલગે ધાઈ રે,

મરકલડાં કરતું મુખ ચ્યૂંબું : વાહાલી માહારી આઈ; ગેહેલી૦

જોહેનો જશ બ્રહ્માદિક સરખા ચ્યાહારે વેદ વખાણે રે,

શેષ રેખ ગુણ ગાતો રહે, થોડાં મુખ મન આણે; ગેહેલી૦

તે ભૂધર ‘ભૂખ્યો છું' કહીને પ્રેમે પાલવ તાણ્યો રે,

નંદ નારીયે નાંધડિયાને કાલો કુંઅર જાણ્યો; ગેહેલી૦

‘આવ્ય, કુંઅર !’ કહી ગ્રહી બાંહોડી, અંગ અલૌકિક ધોયાં રે,

શિશુપણે પ્રાક્રમ બહુ કીધાં, નંદ જ્યશોદાયે જોયાં; ગેહેલી૦

રાઢ કરી રોતો; કેશવનાં અબલાયે આંસુ લોહ્યાં રે,

કોણ મનોહર મુખડું જોઈને મનડાં બેહુનાં મોહ્યાં; ગેહેલી૦

આપણપેં અદકેરાં સાધન નંદ યશોદાયે કીધાં રે,

ગાય ચારવા સરખાં કારજ્ય કોટ કૃષ્ણને દીધાં; ગેહેલી૦

મહી માખણને કાજે જ્યેણીએ માંડ મારવા લીધાં રે,

‘જાની’ જાણે છે, જનુની થઈ અમૃત આંખડીએ પીધાં રે; ગેહેલી૦

સ્રોત

  • પુસ્તક : મધ્યકાલીન ગુજરાતી પદ સંચય (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, રમણ સોની
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1998