Prem Pachchisi pad 1 - Pad | RekhtaGujarati

પ્રેમપચીસી પદ : ૧

Prem Pachchisi pad 1

વિશ્વનાથ જાની વિશ્વનાથ જાની
પ્રેમપચીસી પદ : ૧
વિશ્વનાથ જાની

[દુહા]

કેહે દેવકી શ્રીકૃષ્ણને “સાંભલ્ય માહારા તંન

મોહનજી મથુરા વિષે શે નથી માનતું મંન?

હું આપું સારી સુખડી માહારા સુંદર શાંમ શરીર

નિસાસો ઊંડો કરી કાં નેત્રે ભરો છો નીર?”

[ગીત]

આતાજી ! એમ કીજિયે, બલેહારી રે,

મુંને કોહોની મનની વાત; બલા લેઉં તાહારી રે.

જશોદાજી આહાં તેડાવિયે, બલેહારી રે,

જે જાણે તાહારી વાત, બલા લેઉં તાહારી રે.

નંદજી સું છે વેગલા, બલેહારી રે,

તેહેને સાદ કરાવું આજ; બલા લેઉં તાહારી રે.

માહારા સમ, મુખથી કોહો, બલેહારી રે,

મૂકી મનની લાજ; બલા લેઉં તાહારી રે.

વાહાલા જે ગોવાલિયા, બલેહારી રે,

તેહેનાં મંડાવોની નામ; બલા લેઉં તાહારી રે.

કોહો તે મથુરામાં કરું, બલેહારી રે,

ઉત્તમ ગોકુલ ગામ; બલા લેઉં તાહારી રે.

ગાયો ઘણી ઘેર આપણે, બલેહારી રે,

જો માયા તેહેની હોય; બલા લેઉં તાહારી રે.

માખણ પરઘરનું ભાવે, બલેહારી રે,

તો ઇચ્છે છે સહુ કોય, બલા લેઉં તાહારી રે.

શું મોરપીછ મલતાં નથી? બલેહારી રે,

બહુ ગુંજાના છે હાર; બલા લેઉં તાહારી રે.

કામલી કારણ કાહાનજી ! બલેહારી રે,

શી આંસુડાંની ધાર, બલા લેઉં તાહારી રે.

સરસ વંસ સોના તણો, બલેહારી રે,

હીરે જડિત્ર લ્યો હાથ, બલા લેઉં તાહારી રે.

માંકડાં શું મલતાં નથી? બલેહારી રે,

ગોપી ગોવાલાનો સાથ; બલા લેઉં તાહારી રે.

જો દાણ લેવું મનમાં ગમે, બલેહારી રે,

તો જ્યમલો જમુનાંનો ઘાટ; બલા લેઉં તાહારી રે.

મનુસમાત્ર આવી ચઢે, બલેહારી રે,

વ્રીંદાવનની વાટ; બલા લેઉં તાહારી રે.

શું મહિયારી મથુરાં નથી? બલેહારી રે,

જો ભાવે તેહની છાશ; બલા લેઉં તાહારી રે.

‘વિશ્વનાથ’ વાહાલા ઘણું, બલેહારી રે,

નિશદિન રાખીશ પાસ; બલા લેઉં તાહારી રે.

સ્રોત

  • પુસ્તક : મધ્યકાલીન ગુજરાતી પદ સંચય (પૃષ્ઠ ક્રમાંક 42)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, રમણ સોની
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1998