પ્રાતઃ સમે સુર ઉગ્યા પહેલાં
pratah same sur ugya pahela
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
પ્રાતઃ સમે સુર ઉગ્યા પહેલાં, જોરે રસના મુખ રામ કહે;
હાંરે હાંરે કૃષ્ણને તું ભજ નામે, જગમાં તારૂં તામ રહે. પ્રાતઃ
રામ નામનો મહિમા મ્હોટો, શિવ સનકાદિક ધ્યાન ધરે;
મેરુ થકી મ્હોટું હોય પ્રાયશ્ચિત, નારાયણના નામે તરે. પ્રાતઃ
કેસરી ઘૂરે જ્યમ મૃગજ ત્રાસે, રવિ ઉગે જ્યમ તિમિર ટળે;
પૂરણ બ્રહ્મ અકળ અવિનાશી, કુબુદ્ધિના તાપ તરત હરે. પ્રાતઃ
કોટિ કલ્યાણ ફળ ઉદય ભાણે, પાપ બાપડું ક્યાંરે રહે;
અધમ નીર ગંગામાં ભલ્યું ત્યારે, ગંગા સરખું થઇને વહે. પ્રાતઃ
એ રસને શુકદેવજી જાણે, કોઇક વિરલા સંત લહે;
ભણે નરસૈંયો તમે પ્રભુ ભજી લો, આવાગમનનો ફેરો ટળે. પ્રાતઃ
સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 1)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
- વર્ષ : 1928
