jhaghDo lochanamanno - Pad | RekhtaGujarati

ઝઘડો લોચનમનનો

jhaghDo lochanamanno

દયારામ દયારામ
ઝઘડો લોચનમનનો
દયારામ

લોચનમનનો રે! કે ઝઘડો લોચનમનનો!

રસિયા તે જનનો રે! કે ઝઘડો લોચનમનનો!

પ્રીત પ્રથમ કોણે કરી નંદકુંવરની સાથ?

મન કહે,‘લોચન! તેં કરી,' લોચન કહે, ‘તારે હાથ’ ઝઘડોo

‘નટવર નીરખ્યા નેન! તેં, સુખ આવ્યું તુજ ભાગ;

પછી બંધાવ્યું મુજને, લગન લગાડી આગ! ઝઘડોo

સૂણ ચક્ષુ! હું પાંગળું, તું મારું વાહન,

નિગમઅગમ કહ્યું સાંભળ્યું, દીઠા વિના ગયું મન.' ઝઘડોo

‘ભલું કરાવ્યું મેં તને-સુંદરવરસંજોગ,

મને તજી તું નિત મળે, હું રહું દુઃખવિજોગ !' ઝઘડોo

‘વનમાં વ્હાલાજી કને હુંય વસું છું નેન!

પણ તુંને નવ મેળવે, હું નવ ભોગવું ચેન!' ઝઘડોo

‘ચેન નથી મન! ક્યમ તને ભેટ્યે શ્યામશરીર?

દુઃખ મારું જાણે જગત, રાતદિવસ વહે નીર!' ઝઘડોo

મન કહે, ‘ધીખું હૃદે, ધુમ પ્રગટ ત્યાં હોય,

તે તુજને લાગે રે નેન! તેહ થકી તું રોય.’ ઝઘડોo

બેઉ આવ્યાં બુદ્ધિ કને, તેણે ચૂકવ્યો ન્યાય :

‘મન! લોચનનો પ્રાણ તું, લોચન! તું મન કાય. ઝઘડોo

સુખથી સુખ, દુઃખ દુઃખથી, મનલોચન! રીત,

દયાપ્રીતમ શ્રીકૃષ્ણ શું બેઉ વડેથી પ્રીત.’ ઝઘડોo

સ્રોત

  • પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સંપાદક : ધીરુ પારેખ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2010