નર્મદ
Narmad
પ્રભુ રુડા દિવસ દેખાડ, માનું હૂં પાડ, નાડ ફરિ ચાલે;
ધમ ધમ ધમ લોહી વેહ, ઇશકડો મ્હાલે. પ્રભુ૦ ટેક.
ત્હેનું ખુણે બેસવૂં યાર, રોવું લાચાર, જોવું નરમાસે;
ગાલો પર ચાલે ધાર, પ્રિતમ નહિં પાસે!
જુએ લિલોતરીનો બ્હાર, ખિલ્યો જે બ્હાર, રુડો ચોમાસે;
ઝરમર ઝરમર ઘન ધાર, ઘુમર આકાશે!
જેમ સાચિ કળી ગૂલાબ, ઊંચું બહુ આબ, ઉઘડતી આશે;
ઘન બુંદથકી ભીનાઈ, ત્હેવિ તે ભાસે!
શી ચપળ કાળિ તે આંખ!
શૂં સીધું વાંકું કંઈ નાક!
શો ઓઠ રંગ ને વાંક!
મને દેખિ ધરે ઉમંગ, રમે બહુ રંગ, અંગમાં ફાલે;
ધામ ધમ ધમ લોહી વેહ, ઇશકડો મ્હાલે! પ્રભુ...
સુતિ ચતીપાટ નાજૂક, કહૂં શૂં સૂખ, સુંવાળી સ્હેજે;
રસ ચકચકતો શ્વેત લાજતો તેજે!
બહુ બ્હેકી રહ્યો આ ચૂપ, મોગરો ખૂબ, કુરતની પર જે;
ચાંદરણૂં પેસી રમે, કુમુદ મુખ પર જે!
મ્હો પર ઝુલે ગૂલાબ, છત્રિમાં ખા૫, કવી શૂં કહે જે;
વળિ હસે જોઈ તે ખ્વાબ, ગાલમાં સ્હેજે!
શો છાતિતણો કહું બ્હાર!
શી પેટરૂવાંટી હાર!
શી ઝાંઘ ભરેલી સાર!
કરું બોકિ ધિમે રહિ જોઈ, વળી રહું મોહિ, રખે તે હાલે;
ધિમૂં ધિમૂં મીઠું લોહિ વેહ, ઇશક મુજ મ્હાલે! પ્રભુ...
કરિ નિરાંત ને તે નાર, વળગિ દલદાર, ચાલતી સાથે;
જઈ જોય આયના માંહ્ય, ઉઘાડે માથે!
સબિ જોય સામિ બે ત્યાંહ, દિવા છે જ્યાંહ, ઘાલતી બાથે;
લઈ મુકે છાતિપર હાથ, માહરો હાથે!
બહુ હસે ઘેલું મુજ વ્હાલ, લુછે તે ગાલ, ચુમેલો નાથે;
મુખથી ગાએ કંઈ ગીત, સજન સંગાથે!
શા છુટા રમે શિરબાલ!
શા દિસે વસ્ત્રના હાલ!
શી ઝડપ લટકતી ચાલ!
શી રમે રમાડી તેહ, મઝો શી કેહ, નર્મદા ખ્યાલે;
ધમ ધમ ધમ લોહી વેહ, ઇશકડો મ્હાલે! પ્રભુ...
સ્રોત
- પુસ્તક : નર્મદની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 177)
- સંપાદક : રમેશ મ. શુક્લ
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
- વર્ષ : 2015
- આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ
