prabhat - Pad | RekhtaGujarati

પ્રભાત

prabhat

નર્મદ નર્મદ
પ્રભાત
નર્મદ

(પ્રભાતિયું)

જાગની જીવડા, ગાની તું ગીતડાં બ્રહ્મ કેરાં, હવે વહાણું વાશે,

રાગ પરભાત પર રાખ અનુરાગ બહુ, સફળ આનંદમાં દિન જાશે.

કૂકડે કૂક કો કૂકડાં બોલતાં, ચકલીઓ ચકચક, કાક કાકા;

મધુરી મેના મુખે હરિગુણો સુણતાં, પાધરા થાય ગ્રહ હોય વાંકા.

ઘંટીના ઘોરમાં મેળવી સૂરને, સ્ત્રી વળી ઘરડીઓ ગીત ગાયે;

જેથી સહુ બાળકો, સ્ત્રી, પુરુષો નવાં, લહેર આનંદમાં ઊંઘી જાયે.

તરુણ મહિયારીઓ મારીને કાછડા, નેતરું તાણીને મહી વલોવે;

ઘમ્ ઘમ્ ઘમક ઘમક, ઘમ્ ઘમ્ ઘમ્ નાદ તે, રંગ પરભાતમાં ખૂબ સોહે.

દેવને આરતી થાય છે ઊઠતાં, ઘંટ ઘણણણણ ઘડી ટંટ વાજે;

દેવઆરાધના, ઘોષ વિદ્યા તણા થાય તેથી બહુ વાયુ ગાજે.

જોત ઝાંખી થઈ, કુમુદની કળી થઈ, કમળ તો ખીલવા માંડશે જો;

ભક્ત સહુ દર્શને, દોડતાં જાય, ને સકળ જન હાટ નિજ માંડશે જો.

ચળકતાં ઝળકતાં, ઓ૫તાં શોભતાં, ધાતુઓ ને બહુ કાચ શસ્ત્રો,

અરુણ ઉદે થશે, ધુમર પીગળી જશે; જગત પહેરે સુનેરી સુવસ્ત્રો.

જાગની જીવડા, ગાની તું ગીતડાં બ્રહ્મ કેરાં, હવે વહાણું વાશે.

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 59)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941