નર્મદ
Narmad
પિયુ – સમરપંથ સમરપંથ લક્ષ્વો હવે,
એ જ છે નિર્માણપંથ લક્ષવો હવે - ટેક
મરણ કાં તો જયના રંગ બીજું ના લહૂં,
બંધનનું દુઃખ પ્રિયા કેટલું સહૂં - સમર...
પ્રિયા – જય જય જય થાઓ પિયુ પ્રેમદા ભણે,
કીર્તિ મેળવી રૂડી વળી મળો મને - સમર...
પિયુ – વિર્ય નામને લગાડું ડાઘ નહિં પ્રિયા,
ષંડદાસ નહિં ખપું હું કો કરે ક્રિયા - સમર...
પ્રિયા – દુઃખ તો વિજોગનું થશે ઘણું પિયૂ,
જીત પછી મળશું તેથી સુખ અવર કેિયૂ - સમર...
પિયુ – રણ પડું તો નામ રૂડું મારૂં રહે પ્રિયે,
હીણું નામ કાયરૂં નીતે પિંખાય રે - સમર...
પ્રિયા – દાસ ટળી કીર્તિ રળી પ્રેમ મ્હાલવો,
એની આશમાં પિયુ હું જોઉં રંગ નવો - સમર...
પિયુ – નામ કરી મરણ પામું તેથી અંગના,
સાથી અને પુત્ર સહુ ઝુઝશે ઘણા - સમર...
પિયા – પુત્ર શિરે હાથ મુકી જઈ રણ ઘુમો,
વારવા કેહેવાને પિયુ જીતીને વળો - સમર...
પિયુ – પ્રેમપાન આ ફરીથી કે દી રે પ્રિયે,
જો કદી આ છેલું તો તું ધીરથી રહે - સમર...
પ્રિયા - તન નહીં પણ મન તમારી સાથ કંથ રે,
નિત્ય વીનવીશ પ્રભુ રહો નચિંત રે - સમર...
પિયુ - સમય થયો રો નહીં તૂં મારી થઈ પ્રિયે,
જોજે હવે જાય છે તુજ નર્મદો રણે - સમર...
સ્રોત
- પુસ્તક : નર્મદની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 151)
- સંપાદક : રમેશ મ. શુક્લ
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
- વર્ષ : 2015
- આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ
