pand ne varmaandmaan jyaare vaanii no'tii - Pad | RekhtaGujarati

પંડ ને વરમાંડમાં જ્યારે વાણી નો'તી

pand ne varmaandmaan jyaare vaanii no'tii

મૂળદાસ મૂળદાસ
પંડ ને વરમાંડમાં જ્યારે વાણી નો'તી
મૂળદાસ

પંડ ને વરમાંડમાં જ્યારે વાણી નો'તી,

ત્યારે નાદ ને બુંદ નવ ઝરતા જી રે,

બ્રહ્મા ને વિષ્ણુ મહેશ્વર નો'તા,

ત્યારે આપે આપ અકરતા જી રે,

સાચો મહા ધરમ છે હાં બારજયા ભીતર,

એક બ્રહ્મ છે હોજી.

મન મથી માયાએ મહેલ રચાવ્યો,

ત્યારે નાદ ને બુંદ પરકાશ્યા જી,

પાંચ રે તત્ત્વ લઈને પ્રગડ કીધાં,

ત્યારે ચૌદે લોક રચાવ્યા જી રે... સાચો૦

મૂળ મહામંત્ર લઈને પંથ પ્રકાશ્યો,

ત્યારે ઘાટે ને પાટે પૂજા કીધી જી રે,

પાંચે મળીને મહાવ્રત સાધ્યાં,

તારે નામ તો ધરાવ્યાં નીમ ધારી જીવે... સાચો૦

ભાઈ રે મેરુ શિખરથી ગગાજી મંગાવ્યાં,

વાછે ને કાછે રે ત્રવેણી જી,

ભક્ત જુગતને લઈને આધરણી,

શબ્દમાં રેણી ને કરણી જી રે... સાચો૦

દયા ને ધરમ લઈ પરમારથ પંખી,

તમે આપો પણ નવ લેખો જી,

ગુરુને વચને તમે હોઈ કરી ચાલો,

તમે સરવમાં નિરંજન કરી દેખો... સાચો૦

ગુરુજી ભેદે ને ચારે વેદે,

ત્યારે ભક્તિ લઈ શિવજીને દીધી,

શિવને શક્તિ મળી ધર્મ ચલાવે,

ત્યારે ઉમૈયા પાટે પધાર્યાં જી રે... સાચો૦

શબ્દ નીત હોઈ ઉનમુન રેણાં,

ત્યારે જાત વરણ નવ ભાળે જી,

‘મૂળદાસ’ કહે જે નર ભીતર જાગ્યા,

તો માતા રે ધર્મને પાળો જી રે,

સાચો ધર્મ છે હાં બારજયા ભીતર... સાચા૦

સ્રોત

  • પુસ્તક : સંત પરંપરા વિમર્શ (પૃષ્ઠ ક્રમાંક 84)
  • સંપાદક : ડૉ. રાજેન્દ્રસિંહ રાયજાદા
  • પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર, રાજકોટ
  • વર્ષ : 1989