ઓ વલ્લભજી, દીન દાસીના દોહેલા દિન
O Vallabhji din dasina dohela din
ફૂલકુંવરબાઈ
Fulkunvarbai
ફૂલકુંવરબાઈ
Fulkunvarbai
ઓ વલ્લભજી, દીન દાસીના દોહેલા દિન કેમ નીસરે,
મારા પ્રાણપિયુ અંતર-દુઃખડાં વિસાર્યા ના વિસરે.
હું તો આજ લગી બહુ મદ ધરતી, સૌ રામાની નિંદા કરતી;
મુને આજ લગી જોતી ધરતી. ઓ૦
હું તો નહોતી સમજતી મન મોહ્યામાં, એ જાદુ તમારા જોયામાં;
મને નાખી હવે શીદ રોવામાં. ઓ૦
મારે કંઠે પડી પ્રેમની ફાંસી, હું તો રહું છું નિશદિન ઉદાસી;
હવે લોક કરે મારી હાંસી. ઓ૦
મેં રાજ વિના ક્યમ રહેવાશે, વિરહાનલ કેમ કરી સહેવાશે,
અંતરનું દુઃખ ક્યાં કહેવાશે? ઓ૦
મારા જનમ જનમના છો બેલી, મને સુખડાં દીધાં રંગરેલી,
હવે દુઃખ દરિયામાં ક્યમ મેલી. ઓ૦
હમે શરણ પડ્યાં હવે ક્યાં જઈએ? ઢાંક્યાં ધીક્યાં કેમ કરી રહીએ?
અમે અબલા દુઃખ કોને કહીયે? ઓ૦
હું તો અબલા રાજ તણી દાસી, શ્રીમુખદર્શનની અભિલાષી,
વેગે મલજો ગોકુલવાસી. ઓ૦
સ્રોત
- પુસ્તક : શ્રી ગોકુલેશ ધોળપદમાધુરી (પૃષ્ઠ ક્રમાંક 207)
- સંપાદક : પૂનમચંદ સાં. દોશી, ચિમનલાલ મ. વૈદ્ય
- વર્ષ : 1971
