o vallabhji davanal dujhna dahada - Pad | RekhtaGujarati

ઓ વલ્લભજી, દાવાનલ દુઃખના દહાડા

o vallabhji davanal dujhna dahada

ફૂલકુંવરબાઈ ફૂલકુંવરબાઈ
ઓ વલ્લભજી, દાવાનલ દુઃખના દહાડા
ફૂલકુંવરબાઈ

વલ્લભજી, દાવાનલ દુઃખના દહાડા કેમ ગાળીયે;

બળી ખાખ થયાં, વિપ્રયોગથી મનડું કઈ પેરે વાળીયે. ઓ૦

અમો અબળા અવગુણથી ભરીયાં, નથી સાધન સુકૃત કાંઈ કરીયાં;

પણ રાજચરણમાં અનુસરીયાં. ઓ૦

હવે રાજ વિના અમો શું કરીયે, અમો ઘરમાં ઘેલાં થઈ ફરીયે;

પ્રભુ દો દરશન તો ઉગરીયે. ઓ૦

અમો સર્વ તજી ચરણે વળગ્યાં, દેઈ વિપ્રયોગ કીધાં અળગાં;

અમો નખથી સીખ લગી સળગ્યાં. ઓ૦

અમો જ્ઞાનહીન ગાંડાંઘેલાં, અમો કશુંએ સમજ્યાં નહિ પહેલાં;

હવે દરશન દો હમને વહેલાં. ઓ૦

હવે ક્યાં જઈએ નથી સુખ જરીયે, અમે ડૂબી ગયાં છીએ દુઃખ દરિયે;

અમો અબલા કેમ ધીરજ ધરીયે. ઓ૦

અમારે બીજું બલ નથી રાજ વિના, માટે શરણે રાખો રંગભીના;

રાજ કૃપા કરી કરો રસલીના. ઓ૦

રાજ મનમાં ધરો વિનતિ, અમો વિરહે વિકલ થયાં અતિ;

દર્શન દો વેગે ગોકુલપતિ. ઓ૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ગોકુલેશ ધોળપદમાધુરી (પૃષ્ઠ ક્રમાંક 207)
  • સંપાદક : પૂનમચંદ સાં. દોશી, ચિમનલાલ મ. વૈદ્ય
  • વર્ષ : 1971