O vallabhji bayaladi jhali - Pad | RekhtaGujarati

ઓ વલ્લભજી, બાંયલડી ઝાલી

O vallabhji bayaladi jhali

ફૂલકુંવરબાઈ ફૂલકુંવરબાઈ
ઓ વલ્લભજી, બાંયલડી ઝાલી
ફૂલકુંવરબાઈ

વલ્લભજી, બાંયલડી ઝાલી તો પાર ઉતારીયે;

મારા પ્રાણજીવન, વિપ્રયોગથી મહા દુઃખ દઈ ના મારીયે.

અબલા અવગુણની ખાણ અમે, દેહલડી દુઃખ કેમ કરી ખમે;

શું નથી જાણતા પ્રભુજી તમે. ઓ૦

પ્રભુ શરણે આવ્યાં છીએ પ્રેમ કરી, તરછોડો નહિ કોઈ કાળે ફરી;

એવું જાણી રાજને ચરણે વરી. ઓ૦

અમો લોકલાજ કુલભાન તજી, આવ્યાં ચરણશરણ શણગાર સજી;

તોય હમને ગમતાં સુખ મલ્યાં હજી. ઓ૦

કહેતા તુજ પાસે મારે રહેવાનું, રસદાન કરી સુખ દેવાનું;

શું મુખે જૂઠું કહેવાનું. ઓ૦

અમો દુઃખના દિન ક્યાં ગાળીયે, નિત્ય પિયુજીનો પંથ નિહાળીયે;

રાજ બોલ્યાં વચન પ્રતિપાળીયે. ઓ૦

નથી આશ્રય રાજ વિના બીજો, ભલે રસિયા રીઝો કે ખીજો;

મારી વિનતિ માની લીજો. ઓ૦

રીઝે રાજ તો પામું રસસિદ્ધિ, પછી નથી જોઈતી અષ્ટમા સિદ્ધિ;

‘ફૂલ’ ફૂલી રહું જોઈ સુખનિધિ. ઓ૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ગોકુલેશ ધોળપદમાધુરી (પૃષ્ઠ ક્રમાંક 208)
  • સંપાદક : પૂનમચંદ સાં. દોશી, ચિમનલાલ મ. વૈદ્ય
  • વર્ષ : 1971