ફૂલકુંવરબાઈ
Fulkunvarbai
ઓ વહાલાજી, વહાલ ધરી વળગ્યાં તો, અળગાં નવ કરો;
છો દયાનિધિ, દુઃખિયાં દાસલડાં પર રંચ દયા ધરો.
પિય અપની ઓર વિચારીને, ભવસાગર પાર ઉતારોને;
દેઈ દરશન તાપ નિવારોને. ઓ૦
અમો આવ્યાં મોટી આશ ધરી, તમો તેડ્યાં પૂરણ પ્રેમ ભરી;
તો હવે નહિ કાઢો નિરાશ કરી. ઓ૦
અમને લૌકિકમાં સંતાપ ઘણો, એક ભારી ભરોસો ચરણ તણો;
પછી નિજ ઇચ્છા હોય તેમ ગણો. ઓ૦
ગૃહકારજ રંચ નથી ગમતું, દાવાનલ વિરહદુઃખ દમતું;
પિયુજી તમો વિના એ નથી શમતું. ઓ૦
આતુર જોઈને શરણે લેવી, અંગીકૃત છોડી ના દેવી;
આ ઘરની રીતો છે એવી. ઓ૦
એમ કૃપા કરી શરણે લીધાં, રાજે તો સુખ બહુ બહુ દીધાં;
અમારાં કૃત્યે અમે અલગાં કીધાં. ઓ૦
દુરજનિયાં દારુણ દુઃખ આપે, સંસારીડાં બહુ બહુ સંતાપે;
પિયુબિન એ સંકટ કોણ કાપે. ઓ૦
સુખદુઃખ પડશે તે સૌ સહીશું, જેમ રાખશો તેમ રહીશું;
નિજેચ્છાને આધીન થઈશું. ઓ૦
ઓ રાજ, અમો ગભરાયાં, દર્શન દો અમોને લલચાયાં;
દાસલડાં ફૂલી કરમાયાં. ઓ૦
સ્રોત
- પુસ્તક : શ્રી ગોકુલેશ ધોળપદમાધુરી (પૃષ્ઠ ક્રમાંક 209)
- વર્ષ : 1971
