O vahalaji vachan laine - Pad | RekhtaGujarati

ઓ વહાલાજી, વચન લઈને

O vahalaji vachan laine

ફૂલકુંવરબાઈ ફૂલકુંવરબાઈ
ઓ વહાલાજી, વચન લઈને
ફૂલકુંવરબાઈ

વહાલાજી, વચન લઈને વિલંબ કરો શા કારણે?

આવો આવો પિયા, દીન દુ:ખિયારી દાસી ઊભી બારણે.

મીઠાં વચન ભરેલાં છે મુખમાં, હું તો બળી મરું દારુણ દુઃખમાં;

પિયુ તમો સૂતા છો શા સુખમાં !

તમો પતિવ્રતાના પ્રાણ છો, તમો પરપીડાના જાણ છો;

સ્વકીયાના સુખની ખાણ છો. ઓ૦

તમો ચતુરાના ચિત્તચોર છો, મારા કાળજડાની કોર છે;

મારા નાથ નવલકિશોર છે. ઓ૦

શું કહીએ બહુ બહુ જલપીને, હવે ગયાં કાલજડાં કલપીને;

મલવાને મન રહ્યાં તલપીને. ઓ૦

વહી જાય છે એળે જન્મારો, દેખો દોષ તો નહિ આવે આરો;

ગ્રહી બાંય તો પિયુજી પાર ઉતારો. ઓ૦

તમને કોણે કર્યા આવડા માની? મારી ચિંતા તમને હોય શાની;

પણ નહિ આવો તો થાશે હાનિ. ઓ૦

મને દુઃખ ભોગવવા કેમ સરજી, દીનદાસી કેમ દીધી વરજી;

મારા પિયુજી થયા શું બેગરજી ! ઓ૦

દાસીમાં અગણિત ખોડો, નથી ઘટતું બાંહ ગ્રહી છોડો,

વહાલા વેગળા રહી શું જુઓ વરઘોડો ! ઓ૦

મારે ઉપર આભ નીચે ધરતી, નથી અવર બીજું વિરહે મરતી;

દાસી ‘ફૂલ’ નથી કરતી. ઓ૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ગોકુલેશ ધોળપદમાધુરી (પૃષ્ઠ ક્રમાંક 208)
  • સંપાદક : પૂનમચંદ સાં. દોશી, ચિમનલાલ મ. વૈદ્ય
  • વર્ષ : 1971