O Saheli chodish dav lagyo to - Pad | RekhtaGujarati

ઓ સાહેલી, ચો'દિશ દવ લાગ્યો તો

O Saheli chodish dav lagyo to

ફૂલકુંવરબાઈ ફૂલકુંવરબાઈ
ઓ સાહેલી, ચો'દિશ દવ લાગ્યો તો
ફૂલકુંવરબાઈ

ઓ સાહેલી, ચો'દિશ દવ લાગ્યો તો ક્યાં જઈને રહું?

થઈ ગુણઘહેલી, ઊનું ખાઈને ઓઠે દાઝી, કોને કહું.

સુખમાં સૌ મારા જૂથની, હું તો રહી નહિ ઈતકે ઉતની;

શું બડાઈ કરું વિઠ્ઠલસુતની. ઓ૦

જેમ તલ કોદરા માંહે મલિયા, ઘેંસ ઘાણી બેઉ થકી ટળિયા;

તેમ મારે થયું પિયુજી પલિયા. ઓ૦

હવે ધીરજ શી રીતે ધારું, થઈ ગયું બધું જીવતર ખારું;

ભરદરિયે વહાણ ડૂબે મારું. ઓ૦

નથી મહિયરમાં હરખાવાનું, નથી પિયર પનોતા થાવાનું;

તજ્યાં પિયુએ પછી ક્યાં જાવાનું. ઓ૦

મારે અંતરવાતનું ઠેકાણું, સખી તમવિણ બીજું ના જાણું;

તમો વેગે હવે કરજો આણું. ઓ૦

માટે વિનતિ કરું કરજોડીને, તમો શું બેઠા મુખ મોડીને;

મારી વારે ચઢજો દોડીને. ઓ૦

મુજવતી વહાલાને વિનવજો, દાસી બહુ દુઃખ પામે છે કહેજો;

એકવાર મુને દરસન દેજો. ઓ૦

કહેજો વાલમ વહેલા આવોને, રંગરસિયા રંગ વરસાવોને;

તમો ‘ફૂલી’ને ફૂલાવોને. ઓ૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ગોકુલેશ ધોળપદમાધુરી (પૃષ્ઠ ક્રમાંક 209)
  • સંપાદક : પૂનમચંદ સાં. દોશી, ચિમનલાલ મ. વૈદ્ય
  • વર્ષ : 1971