O ranrasiya rasdata rasbhokta - Pad | RekhtaGujarati

ઓ રંગરસિયા રસદાતા, રસભોક્તા

O ranrasiya rasdata rasbhokta

ફૂલકુંવરબાઈ ફૂલકુંવરબાઈ
ઓ રંગરસિયા રસદાતા, રસભોક્તા
ફૂલકુંવરબાઈ

રંગરસિયા રસદાતા, રસભોક્તા, મહારસ દાન દો,

મારે મન વસિયા, આધીન અબલાને અધરામૃત પાન દો.

છે ભ્રમર કમલરસનો ભોગી, એને બીજાં ફૂલ સૌ ઉપયોગી;

તોયે સદા રહે છે સંજોગી. ઓ૦

ફૂલ્યાં ફૂલડાં કરમાશે, એની સુગંધ સુકોમલતા જાશે;

વહાલા વિલંબ કર્યાથી વણસાથે. ઓ૦

રસ-સ્વાદ-સુગંધ-ભરી ઘાડી, ફૂલ રહી છે ફૂલવાડી;

એને મન્મથગજ કચરે દહાડી. ઓ૦

એની ખબર લે માળી રંચે, કદીએ મૂળમાં જળ ના સીંચે;

કહો કેમ કરી વેલી વંચે? ઓ૦

એક સુંદર અમૃત ફલ પાક્યું, તેને જાળવી જતન કરી રાખ્યું;

પણ ભાવ ધરીને ના ચાખ્યું. ઓ૦

પાકું ફલ ક્યાં લગી રહેવાનું ! ભોક્તા વિણ નથી દેવાનું;

ફલ વિફલ થશે ક્યાં કહેવાનું? ઓ૦

પછી રસને સ્વાદ સુકાઈ જાશે, શ્રમ ને આરત મિથ્યા થાશે;

પસ્તાવું પડશે એમ ભાસે. ઓ૦

અમ અબલાની પણ ગતિ, પિયુજી પાખે નહિ તૃપ્તિ;

માટે વેગે ખબર લ્યો ગોકુલપતિ. ઓ૦

હવે વેલ ફૂલાવીને ફૂલો, મારા નયન હિંડોળામાં ઝૂલો;

રખે વિલંબ કરી મુજને ભૂલો. ઓ૦

મુને ચરણકમલની દાસીને, રહ્યો હૃદયે પ્રેમ પ્રકાશીને;

‘ફૂલ’ ફૂલે જોઈ ગોકુલવાસીને. ઓ૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ગોકુલેશ ધોળપદમાધુરી (પૃષ્ઠ ક્રમાંક 207)
  • સંપાદક : પૂનમચંદ સાં. દોશી, ચિમનલાલ મ. વૈદ્ય
  • વર્ષ : 1971