મીરાંબાઈ
Meerabai
ઓ રાણા? જીવનો સંગાથી હરિ વિણ કોઈ નથી,
મારે પ્રભુ ભજવાની હામ રે, મારે હરિ ભજવાની હામ રે. જીવનો...
ઓ રાણા! એક રે ગાયને દો દો વાછડા,
તોય એના જુદા રે જુદા લેખ;
એક રે શિવજી ઘેર પોઠિયો, બીજો ફરે ઘાંચીડાને ઘેર. જીવનો...
ઓ રાણા! એક રે માટીનાં દો દો માટલાં,
તોય એના જુદા રે જુદા લેખ;
એક રે માટલું જસોદા માતનું, બીજું દીસે કલાલને ઘેર. જીવનો...
ઓ રાણા! એક રે વેલાને બે બે તુંબડાં,
તોય એના જુદા રે જુદા લેખ;
એક રે તુંબડું સાધુના હાથમાં, બીજું રાવળિયાને ઘેર. જીવનો...
ઓ રાણા! એક રે માતાને દો દો બેટડા,
તોય એના જુદા રે જુદા લેખ;
એક રે બેટડો ચોરાશી ધૂણી તપે, બીજો ઘૂમે લખચોરાશી ફેરા માંહ્ય, જીવનો...
ઓ રાણા! એક રે વાંસની દો દો વાંસળી,
તોય એના જુદા રે જુદા લેખ;
એક રે વાંસળી કાનકુંવરની, બીજી વાગે વાદીડાને રે ઘે૨. જીવનો...
ઓ રાણા! ગુરુને પ્રતાપે મીરાં બોલિયાં,
દેજો અમને સંતોના ચરણોમાં વાસ. જીવનો...
સ્રોત
- પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 4)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
- વર્ષ : 2011
