o diise, sakhii! mehulo aavyo - Pad | RekhtaGujarati

ઓ દીસે, સખી! મેહલો આવ્યો

o diise, sakhii! mehulo aavyo

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
ઓ દીસે, સખી! મેહલો આવ્યો
નરસિંહ મહેતા

(રાગ સામેરી)

દીસે, સખી! મેહલો આવ્યો, ના'વ્યો મારો નાથ વિદેશી રે;

અનંગ આહેડીએ ધનુષ ચઢાવ્યું, અમ અબળાની ૫ર કસી રે. ઓ૦

અંબર ગાજે, વીજ ઝબૂકે, મેહુલિયે ઝડ માંડી રે,

નિર્ગુણને શું કહીએ? - બહેની! નાથ ગયો ઘર છાંડી રે. ઓ૦

આગે દોહેલે દિન નીગમતી, દાદુર-મોર બિહાવે રે;

વિરહિયાંચા વેરી ચાતુક સૂતાં સાલ જગાવે રે. ઓ૦

એણી રતે ૫રદેશ પધાર્યા તે નર પશુઆં કહીએ રે;

નરસૈંયાચા સ્વામી! કહું તમને ખિણ એક અળગા રહીએ રે. ઓ૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 83)
  • સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1994