o akrurjii! gokulmaan tame shaa karane aavyaa - Pad | RekhtaGujarati

ઓ અક્રૂરજી! ગોકુળમાં તમે શા કારણે આવ્યા

o akrurjii! gokulmaan tame shaa karane aavyaa

દયારામ દયારામ
ઓ અક્રૂરજી! ગોકુળમાં તમે શા કારણે આવ્યા
દયારામ

અક્રૂરજી! ગોકુળમાં તમે શા કારણે આવ્યા?

મારાં સુખડાં લઈ દુઃખના દરિયા શું કરવાને લાવ્યા?

તમે માતપિતા! કહું તે કરજો, વચન અમારાં હૃદે ધરજો,

મને મારીને ડગલાં ભરજો. અક્રૂરજી!

અહીં શું કામ છે તમારું? ઘણું ચિત્ત કલપે છે અમારું,

નંદજસોદા કહે, 'સારું.' અક્રૂરજી!

વિનતી તો કોનેં કહીએ? હૈયામાં સમજીને રહીએ,

ઘણું નિર્લજ્જ કર્યાં નંદને છૈયે! અક્રૂરજી!

મારે ઝાઝે હેતે હળવું છે, કુબ્જાને ભાગ્યે મળવું છે,

મારા મામાજીને મળવું છે. અક્રૂરજી!

તમે કારજ કરીને આવજો. સુખે તેને તેડી લાવજો,

તમે દયાસખીને મન ભાવજો. અક્રૂરજી!

સ્રોત

  • પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સંપાદક : ધીરુ પરીખ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1995