nirakhne gaganman - Pad | RekhtaGujarati

નિરખને ગગનમાં

nirakhne gaganman

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
નિરખને ગગનમાં
નરસિંહ મહેતા

(રાગ કેદારો)

નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? 'તે જ હું', 'તે જ હું' શબ્દ બોલે;

શ્યામનાં ચરણમાં ઈચ્છું છું મરણ રે, અહીંયાં કો નથી કૃષ્ણતોલે. નિ૦ ૧

શ્યામ-શોભા ઘણી, બુદ્ધિ નવ શકે કળી, અનંત ઓચ્છવમાં પંથ ભૂલી;

જડ અને ચેતન રસ કરી જાણવો, પકડી પ્રેમે સજીવંન મૂળી. નિ૦ ર

ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં, હેમની કોર જ્યાં નીસરે તોલે;

સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે, સોનાના પારણા માંહી ઝૂલે. નિ૦ ૩

બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી,

અચળ ઝળકે સદા વિમળ દીવો,

નેત્ર વિણ નિરખવો, રૂપ વિણ પરખવો,

વણજિહ્વાએ રસ સરસ પીવો. નિ૦ ૪

અકળ અવિનાશીએ, નવ જાયે કળ્યો, અરધ-ઊરધની મધ્યે મહાલે;

નરસૈંયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત ઝાલે. નિ૦ પ

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997