નિજિયા થકી મૂળ મંડાણાં
nijiyaa thakii muul mandaanaan
મનજી સોની
Manji Soni

નિજિયા થકી મૂળ મંડાણાં, સોહી પદ તમે સત કરી જાણો,
સાહેબે મારે આ સૃષ્ટિ રચાવી, ત્યારે આદિ પુરુષે ઈચ્છા આણી,
ચોર્યાશી ધર્મ જોયા તપાસી, તોય આ પૃથ્વી નવઠેરાણી.
બ્રહ્મા, વિષ્ણુ, માહેશ્વર જોગી, ચોથી જોગણી માયા,
પાંચમી કળા લઈ અલખ આવ્યા, તેણે આ નિજિયા ધર્મ નિપાવ્યા,
નિજિયા થકી મૂળ મંડાણાં, સોહી પદ તમે સત કરી જાણો.
ચાર દશુંનાં ચાર દુવારા પાંચમા છે માંહી મેરુ સુમેરા,
પચાસ ક્રોડ જોજન પૃથ્વી કહેવાણી, તે નિજિયા ધર્મ થકી ઠેરાણી,
નિશ્ચય કરીને નરે નિજ તત્ત્વ વોરિયા, પુરુષને આવી પ્રતીતા.
પ્રેમના પ્યાલા ભરી ભરી પીધા, તેત્રીસ ક્રોડ દેવ એમ સિદ્ધા,
નવ નવ નાથ સિદ્ધા ચોરાશી, તે નિજ ધર્મને વરિયા,
તે ઉપર થઈને તરિયા, સાચા હોકર કોઈ કામો તો પોતે નિજધામા,
'મનજી સોની' કહે પીર કાનના પ્રતાપે, બોલ્યા આ નિજ ફરમાના.



સ્રોત
- પુસ્તક : રાજયોગ વાણી (પૃષ્ઠ ક્રમાંક 180)
- સંપાદક : રામજી હીરસાગર
- પ્રકાશક : પોતે