હિમો
Himo
નીચું ઊચું જોઈ ચાલતી, સૌકો’ આગળ થાતી છતી;
ગર્ભહત્યાઓ કીધી ઘણી, તે પાપે નારી વાંઝણી.
કહ્યું ન માને કંથ જ તણું, જે ઉન્મત્તપણું રાખે ઘણું;
વણિક વિપ્ર ઘેર પુત્રી થઈ, ભર જોબનમાં રાંડી રહી.
કીધાં કર્મ અંગ નવ દમે, તે પાપે સંકટ ભોગવે;
નબળા પુરુષતણે ઘરનાર, સાસુ સાથે કરે વઢવાડ.
એક ઘડો જળ આણતી મરે, પર ઘર દાસી થઈ પાણી ભરે;
સાસુનાં સંતાપ્યાં મન, તે પાપે દાસી અર્જુન.
કોઈક દેશમાં હાકમ ગયો, ત્યાં જઈને અહંકારી થયો;
કીધી રીસ ને દીધી ગાળ, ગરીબ શિર ચઢાવે આળ.
મૂઆ પછી તે મોક્ષે નવ ગયા, વળતા નર તે વૈતરા થયા;
જેણે તપસા કીધી ઘણી, દેહ દમી વળી પોતા તણી.
અડસઠ તીર્થે કીધાં સ્નાન, તે માટે સરજ્યા રાજાન;
માતપિતા ટળવળતાં ગયાં, તે પાપે મહીપતિ વાંઝિયા.
જેણે વડ-પીપલ બહુ હણ્યા, જન્મી પાપ કીધાં પણ ઘણાં;
કાપી ડાળે તુલસી તણી, તે પાપે કાયા કોઢણી.
અતિ શેભા અંગે આદરે, ચૂવા-ચંદન લેપન કરે;
ચાલથકી ભૂમિ ધમધમે, અભાગિયાને આપે ગમે.
સોહે છોગાં પડખે સહી, કોમળ વાણી મુખમાં નહિ;
૫રનારી શું પ્રીત જ કરે, તે વળતો વ્યંઢળ અવતરે,
ગુરુ કહે તે શ્રવણે ધરે, ફૂડ-કપટને તે પરહરે;
ત્રિકમતણું ત્યાં જ્ઞાન જ કરી, વળી ગુરુજીની સેવા ધરી.
ગુરુ કારણ ત્યાં કળપ્યાં ધન, આપે નિર્મળ કીધાં મન;
ગુરુ કારણ વળી કળપ્યાં શીશ, ગુરુને કહી જાણ્યા જગદીશ.
એમ ગુરુની કીધી સેવ, તે અર્જુન અવતરિયા દેવ;
પાંડવ પ્રતિ બોલ્યા રણછોડ, કહે કવિજન ‘હિમો’ કરજોડ.
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 779)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
