નર્મદ
Narmad
નીતિતુંબી ભવસિંધુને તરાવે.
તુફાનિ તરંગમાંથિ,
વાયુ ભયંકરમાંથિ,
ધારવાળા ખડકમાંથિ,
ક્ષેમ તિરે લાવે. - તે તરાવે-નીતિ... - ટેક
વિંટલાઈ વળી લાલચો ચોપાસે;
નથી ધૈર્ય અને સત્યનું બળ પાસે;
અરે રsહવું બંધાઈ જંમપાશે;
પ્રભૂ પ્રેર તૂં ઉપાય, લાગું પાય, હે જગરાય,
તૂં સમરાય, સુખડું થાય, મનનિ લાહ્ય,
બહુ બહુ હાય, સહુ સમાય,
સંકટો નાવે નાવે. - તે તરાવે - નીતિ...
આશા લોભ આદિ આધિ ફિકર મ્હોટી;
કરે તાવ વ્યાધિ શરિરતણી સોટી;
બિજી અડચણો ઉપાધિ પીડ મ્હોટી;
અરે દુઃખડાં ના ગણાય, ના જણાય, પણ હણાય,
ગુણ ઘણાય, ઝટ તણાય, હરિ ભણાય, સુખ અણાય,
ધરું સત ભાવે ભાવે. - તે તરાવે - નીતિ...
ભયંકર અંધકાર સહુ ચિકાર;
ન બોલાય ગભરાયે કંઈ ચકાર;
બિહૂં દેખિને વિચિત્ર રે આકાર;
ખરે અફળાતો ફરૂં, અઘજળ ભરૂં, પેટે ભરૂં,
કાં ના મરૂં, કેમે તરૂં, થાકે જરૂં,
લોહી નરૂં, કાંહાં ઠરૂં, રે શૂં કરૂં,
જળચર ચાવે ચાવે. - તે તરાવે - નીતિ...
દયાસાગરા તું નાગરા પરબ્રહ્મ;
ભ્રમો ભાંજિને શિખાડ શુદ્ધ ધર્મ;
સમજું મર્મ પછી બાંધુ નહીં કર્મ;
છૂં રંક હૂં નર્મદશંકર, હિણો કિંકર, મતિ બહુ સંકર,
આવે તંમર ફરૂં હું ઘંમર, પડું જ દંભર,
(પણ) રહેવા અંમર, બાંધુ કમર, નટવરશંકર,
નીતિ ગાવે - તે તરાવે - નીતિ...
સ્રોત
- પુસ્તક : નર્મદની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 184)
- સંપાદક : રમેશ મ. શુક્લ
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
- વર્ષ : 2015
- આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ
