નંદલાલ! નહિ રે આવું ને ઘેર કામ છે
Nandlal! Nahi Re Aavu Ne Gher Kaam Chhe
મીરાંબાઈ
Meerabai
મીરાંબાઈ
Meerabai
નંદલાલ! નહિ રે આવું ને ઘેર કામ છે.
તુળસીની માળામાં શ્યામ છે, વહાલા! નંદલાલ૦
વૃંદા તે વનને મારગ જાતાં,
રાધા ગોરી ને કહાન શ્યામ છે; વહાલા! નંદલાલ૦
વૃંદા તે વનમાં રાસ રચ્યો છે,
સહસ્ર ગોપી ને એક કહાન છે; વહાલા! નંદલાલ૦
વૃંદા તે વનને મારગ જાતાં,
દાણ આપ્યાની ઘણી હામ છે; વહાલા! નંદલાલ૦
વૃંદા તે વનની કુંજગલીમાં,
ઘેર ઘેર ગોપીઓનાં ઠામ છે; વહાલા! નંદલાલ૦
આણી તીરે ગંગા વહાલા, પેલી તીરે જમુના,
વચમાં ગોકુળિયું ગામ છે; વહાલા! નંદલાલ૦
ગામનાં વલોણાં મારે મહીનાં વલોણાં,
મહીડાં ઘૂમ્યાની ઘણી હામ છે; વહાલા! નંદલાલ૦
બાઈ મીરાંકે પ્રભુ ગિરિધર નાગર,
ચરણનમેં સુખધામ છે; વહાલા! નંદલાલ૦
સ્રોત
- પુસ્તક : મીરાંનાં પદો (પૃષ્ઠ ક્રમાંક 71)
- સંપાદક : ભૂપેન્દ્ર બાલકૃષ્ણ ત્રિવેદી
- પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1962
