મૂરખો રળી રળી કમાણો રે
Murkho Rali Rali Kamano Re
ભોજા ભગત
Bhoja Bhagat
ભોજા ભગત
Bhoja Bhagat
મૂરખો રળી રળી કમાણો રે, માથે મેલશે મોટો પહાણો.
ધાઈ ધૂતીને ધન ભેળું કીધું, કોટીધ્વજ કહેવાણો;
પુણ્યને નામે પા જૈં ન વાવર્યો, અધવચથી લૂંટાણો રે.
ભર્યા કોઠાર તારા ધર્યા રહેશે, નહિ આવે સાથે એક દાણો;
મસાણની રાખમાં રોળાઈ ગયા કંઈક, કોણ રંકને કોણ રાણો રે.
મંદિર માળિયાં મેલી કરીને, નીચે જઈ ઠેરાણો;
ભોજો ભગત કહે મૂઆ પૂઠે જીવ, ઘણો ઘણો પસ્તાણો રે.
સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 90)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
- વર્ષ : 1939
- આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ
