ભાલણ
Bhalan
મુરલી વાય છે રસાલ, વૃંદાવન માંહે શ્રીગોપાલ;
મુરલી સાંભળવા જઈએ.
ગો તૃણ ચરતી રહી, સાંભળે છે માંડી કાન;
આકાશે ચાલે નહિ, થોભી રહ્યાં વિમાન. મુરલી...
મૃગલાં મીટ માંડી રહ્યાં, વૃક્ષતણાં ન હાલે પાન;
રાગરંગ એ સાંભળી, યોગીશ્વરનાં છૂટ્યાં ધ્યાન. મુરલી...
યમુના જળ હાલે નહિ, સૂરજ રહ્યો સ્થિર સ્થાન;
સુરયુવતી મોહી રહી, સાંભળી સુંદર ગાન. મુરલી...
અંબર તે સુરનારીનાં છૂટે, – અતિ વિહ્વલ દેહ;
મણિધર ફણ માંડી રહ્યા, શ્રવણ વિના નયણે સુણે તેહ. મુરલી...
મેં રહ્યું જાયે નહિ, પ્રેમબાણના વાગ્યા પ્રહાર;
મન તો મોહિયું માવે, વિસારિયો વ્યાપાર. મુરલી...
નયણે જઈને નીરખિયે, સુણી સુંદર જાત;
જન્મ સફળ તે કીજીએ, પામીએ અતિ આહ્લાદ. મુરલી...
લોકલાજ મેં પરહરી, સોંપ્યું એને શરીર;
પરવશ થયો એ આત્મા રે, રાખે ન રહે ધીર. મુરલી...
એ માહરે હૈડે વસિયો, પાસે રહું દિનરાત;
ભાલણ પ્રભુ રઘુનાથ શું, અંતર્ગત મળિયે સાથ. મુરલી...
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 10)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોષી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
