morli nu jadu - Pad | RekhtaGujarati

મોરલીનું જાદુ

morli nu jadu

મીઠો મીઠો
મોરલીનું જાદુ
મીઠો

સાંભળ સહિયર વાતડી, નૌતમ આસો માસ;

શરદ પૂનમની રાતડી, ચંદ્ર ચડ્યો આકાશ.

એવામાં હરિ આવિયા, વૃન્દાવનને ચોક;

મોરલીમાં વેદ વજાડિયા, તે સુણિયા ત્રિલોક.

અષ્ટકુળ પર્વત ડોલિયા, ડોલિયા નવકુળ નાગ;

મોર બપૈયા બોલિયા, સાંભળતાં તે રાગ.

જાતાં વળતાં થંભિયાં, નદીઓ કેરાં નીર;

વછ ને બાળ વલંભિયાં, પીતાં પીતાં ખીર.

ખગમૃગ શ્રવણ ધરી રહ્યાં, તરણ વંદે ગાય;

ઠારે ઠાર ઠરી રહ્યાં, મુખચારો મુખમાંય.

પવન રહ્યો મૂરઝાઈને, મુનિવર મૂક્યાં ધ્યાન;

વળી રહ્યાં વલભાઈને વહેતાં ગગન વિમાન.

વા નવ લે વનવેલડી, પ્રગટ થયાં ફળફૂલ;

વેંધાઈ નીકળી વણબેલડી, અબળા સૌ કુળ-શુળ.

મોહી મોરલીના તાનમાં, વ્યાકુળ થઈ વ્રજનાર;

એકેએક નિશાનમાં હીંડે હારોહાર.

નાકે ઓગનિયા આણિયા, નેપુર પહેર્યાં હાથ;

મોર શ્રવણમાં સમાણિયા, કાંકણીઓ પગ સાથ.

સેંથે કાજળ સારિયાં, નયને સારિયાં સિંદૂર;

સગાં કુટુમ્બ વિસારિયાં, સાગર સરિતા પૂર.

અવળાં આભરણ પહેરિયાં, અવળાં ઓઢિયાં ચીર;

અવળાં ઓઢ્યાં લહેરિયાં, ભૂલી શુદ્ધ શરીર.

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 52)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોષી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941