મેહેબુબની બગલ તજીને જંગસું કર યારી
Mehebub ni Bagal Taji ne Jangsu Kar Yaari
નર્મદ
Narmad
નર્મદ
Narmad
મેહેબુબની બગલ તજીને જંગસું કર યારી
વખત છે બારીક ને કારી કારી
હરીફને જીતી આવ મારી
જુદૈ થવાની તેથી માશુક બહુ ગળગળી થાય
વધૂ દિલ આશકનું ઉભરાય, ઉભરાય
જોઈ તે નેન નીર ઝળકાય
ગગળી જઈ હથિયાર ન ધરવા એમાં શી મરદાઈ
સીપાઈ રે નથી આબરૂ કાંઈ, કાંઈ
સમજીને દુશ્મન પર જા ધાઈ
જીત કરીને આવીશ પાછો ત્યારે તે જોશે
ઉમલકે મલકાતી હોંસે હોંસે
ઈશકને મ્હલાવશે જોશે
બહાદૂરીની વાતો સુણતાં બહુ તે હરખાશે
મુબારક શરાબને પાશે, પાશે
સતારે તારીફ બહુ ગાશે
એ લ્હાવાની ઉમેદમાં તું તયારી કર ભાઈ
જોઉં કે શમશેરને તેં સાહી, સાહી
પીએ છે પ્યાર પ્યારીને પાઈ
લાયક માશુક કોટી કરીને દુવા દેઈ કહે ‘જા’
ખૂદા ફરી દાખવશે સહુ આ, સહુ આ
હાલ તો જંગ મસ્ત તું થા
કૂચ કૂચ કર સિપાઈ જબરી બ્યુગલ તે વાજે
સાથી સહુ મળે છ જ્યાં સાજે, સાજે
નર્મદ બડા બડા રાજે
સ્રોત
- પુસ્તક : નર્મદની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 150)
- સંપાદક : રમેશ મ. શુક્લ
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
- વર્ષ : 2015
- આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ
