ભાલણ
Bhalan
મથુરામાં એક આહીરડી, મહી વેચવા આવીજી;
દેવકીએ તે નયણે દીઠી, પ્રેમ કરી બોલાવી;
આવો ગોવાળણી, દુધ દહી આજ આલો ગોવાલણી. ટેક.
મટકી ઉતારી માથથી, આપ્યું ત્યાં આસંનજી;
કુશળ પુછવા કુંવરનું તેમને કહે વચંન. આવો...
નંદરાયજી શું કરે છે, તેહને શું સંતાનજી;
કહેવાં છે તેનાં કામિની, સુખતણું નીધાન. આવો...
સંતતિ વિણ જીવવું કશું, મનુષ્યનો અવતારજી;
અમ સરખું કોને ન હશો, વેરીડાને સંસાર. આવો...
વૃજમાં રીદ્ધિ કેવી છે, કેવા સુખીઆ લોકજી;
જણે ને જીવે નહિ તેનો ક્ષણું ક્ષણું શો શોક. આવો...
વળતી સનમુખ થઇને શ્યામા, અમૃત વાણી બોલીજી;
નંદજીને એક કુંવર છે, એને ચૌદ ભુવન નહિ તોલી-
સાંભળો માતા દેેવકી.
ગોરાને શું કીજીએ, વર એ છે સામળીઓજી;
બ્રહ્મા હર ઇંદ્રાદિક આવે, તોયે ન જાએ કળીઓ. સાંભ...
બહુ સોહે અમૃત ભરી, આંખડલી અણીઆળીજી;
કીકી અતિ જોતાં હસે, અધરજશ પરવારી. સાંભ...
નહાનો પણ પ્રાક્રમે મોટો, જેણે દમીઓ કાલીજી;
ગોવરધન ગિરી અંગુલી ધરે, ઇંદ્રતણો ભય ટાલી. સાંભ...
જશોદાજી હુલામણે, તેનું નામ કહે છે કહાનજી;
કૃષ્ણ દામોદર કો કહે કેશવ, ગિરધર કો ભગવાન. સાંભ...
વૃંદાવન માંહે રહે તે, લે છે મહીનું દાણજી;
હા ના તેને કોણ કહે જે, સોંપ્યાં તન મન પ્રાણ. સાંભ...
કંસ ભોએ બીહે નહિ, જદપી છે તે બાળજી;
મોટમ જોતાં મનતણી, જાણીએ કાળનો કાળ. સાંભ...
વન માંહે વાંસલડી વાએ, અમૃતપે અતિ મીઠીજી;
એહને વશ આવે નહિ તેવી, સતી કો ન દીઠી. સાંભ...
નર એવો કો હવો નથી, નથી ત્રીલોકની માયેજી;
જેણે એને દીઠો નહિ, તેનાં નયણાં એળે જાયે. સાંભ...
ધીક એ મધુપુરના વારી, જેનું મુખ નવ નિહાળેજી;
કરૂણાનિધ કટાક્ષ કરીને, ભવના પાતિક ટાળે. સાંભ...
ગુણનો પાર આવે નહિ તો, કેટલું એક વખાણુંજી;
ક્ષણું એક અળગાં થઇએ નહિ, હું એવું મનમાં જાણું. સાંભ...
વાત સાંભળી સુત તણી, નયણે તે ચાલ્યાં નીરજી;
આહીરડી તે એમ કહી, થઇ રોમાંચિત શરીર. આવો...
ધન તે માત જશોમતી, જેણીએ ધવરાવ્યોજી;
પુણ્ય પોતે વ્રજવાસીનું, જ્યાંહાં એ રમવા આવ્યો. આવો...
વાત રહેવા દો એ તણી, કંસરાય સાંભળશેજી;
વેર એ શું આણે છે, તે હૈડાં માંહે બળશે. આવો...
શું આપું બાઇ તુને, કહી મનોહર વાતજી;
જેહને એવો દીકરો, તે ધન માત ને તાત. આવો...
જા બાઇ તું મંદીર તારે, ધન્ય જીવ્યું જે જોશોજી;
કોટી જન્મનાં કીધાં કલ્મષ, દરશન કરતાં ધોશો. આવો...
મારે એવું પુણ્ય કહાંથી, જે હું તેને દેખુંજી;
મન મનોરથ અતિ ઘણાં, કરતાં નાવે લેખું. આવો...
સંતોષી શ્યામા વળી, ચાલી નિજ વ્યાપારજી;
જાતાં વળતાં આવજો, પુનરપી આણે ઠાર. આવો...
માતા આનંદ પામીઆં, સાંભળતાં ગુણગાનજી;
ભાલણ જન એ જાનકીને, કથા કહી હનુમાન. આવો...
સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 12)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
- વર્ષ : 1928
