Maru Mandu Vindhanu Rana - Pad | RekhtaGujarati

મારું મનડું વીંધાણું રાણા

Maru Mandu Vindhanu Rana

મીરાંબાઈ મીરાંબાઈ
મારું મનડું વીંધાણું રાણા
મીરાંબાઈ

મારું મનડું વીંધાણું રાણા, ચિતડું ચોરાણું, રાણા, શું રે કરું?

શું રે કરું? વિષ પીધે ના મરું, હો રાણા, શું રે કરું? મારું...

નિંદા કરે છે મારી, નગરીના લોક રાણા;

તારી શિખામણ હવે, મારે મન ફોક, રાણા... શું રે કરું...

ભરીબજારમાંથી હાથી હાલ્યો જાયે રાણા;

શ્વાન ભસે છે તેમાં હાથીને શું થાય? રાણા... શું રે કરું...

ભૂલી રે ભૂલી હું તો, ઘરનાં રે કામ રાણા;

ભોજન ભાવે, નયણે નીંદ છે હરામ, રાણા... શું રે કરું...

બાઈ મીરાં કે પ્રભુ, ગિરિધર નાગર વા'લા,

પ્રભુને ભજીને હું તો થઈ ગઈ ન્યાલ, રાણા... શું રે કરું....

સ્રોત

  • પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 23)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2011